શનિવાર, 15 ઑગસ્ટ, 2015

આંખો...કોરા કાગળની...

એમ લૂછી  છે આંખો  મેં કોરા કાગળની;
વાત લખી છે ભીતર બળતા દાવાનળની.

મહેફિલ  માંડી બેઠો  છે  સૂરજ તડકાની;
વાત ન કરશો કોઇ હવે અહીંયા ઝાકળની.

તું ય ઘવાયો ? ફક્ત આંખનું કામ નથી આ;
ભાગીદારી  હોઇ  શકે  એમાં   કાજળની.

નદી  વચાળે સાવ  બિચારું  તરસ્યું  ઊભું;
એક  હરણને ટેવ પડી ગઇ છે મૃગજળની !

જિત ઉઝરડાઓ તો પડવાના જ હતા ને !
ડાળ  તમે  પકડીને   બેઠાતા  બાવળની.

                               - જિત ઠાડચકર

શનિવાર, 1 ઑગસ્ટ, 2015

એક વિનંતી (શાર્દુલવિક્રીડિત)


એક વિનંતી (શાર્દુલવિક્રીડિત)

આવીને મુજ આ હ્રદય મહીં વસો, આવાસ છે સાંકડો;
તોયે આપ રહી શકો સરલથી, એવી અહીં છે જગા.
ઊર્મિનું ઝરણું સદા અહીં વહે, ઊગ્યાં કરે લાગણી.
જીવે છે મુજ કાવ્યમાં તમ જીવન, ક્યાંથી રહે વેદના.

                               - 'જિત' ઠાડચકર

એક પ્રાર્થના (શાર્દુલવિક્રીડિત)


 એક પ્રાર્થના  (શાર્દુલવિક્રીડિત)

હું ક્યાંથી મુજમાં કહો ભળી શકું ? પૂરી નથી સાધના; 
 મારી પાસ નથી હજી વિમલતા, આંખો મહીં સૂક્ષ્મતા.
 આપ્યું છે સઘળું જગે પરમ તે માનવ્યને પામવા;
 તોયે સાવ અપૂર્ણ છું જગતમાં, આપો મને પૂર્ણતા.

                                   - 'જિત' ઠાડચકર

અવતરું


છે તમન્ના શબ્દ થઇને અવતરું;
રોજ એથી શૂન્યતાને કરગરું.

હોય સાચું તો ખુશીની વાત છે.
આ જ સાચુ, કેમ હું દાવો કરું.

જો કદી ટોળે વળે છે રિકતતા;
વાત હું ત્યારે સ્વયંની આદરું.

રોજ આવો બેસવા આવી રીતે;
હું ગઝલની રોજ જાજમ પાથરું.

બોલશે તો ચોંટ ઊંડી આપશે;
જિત છો લાગે બધાંને છોકરું.

             - જિત ઠાડચકર

અમારું એવું છે ગુજરાત.

એવું છે ગુજરાત અમારું, એવું છે ગુજરાત.
દશે દિશામાં સદાય જેની થયાં કરે છે વાત.
                    અમારું એવું છે ગુજરાત.

સાહસના પર્યાય સમો છે ગુણવંતો ગુજરાતી;
હોય ભલે એ હિંદુ, મુસ્લિમ, શીખ, પારસી જાતિ.
અડગ બનીને ઊભું રહ્યું છે, ભલે મળ્યાં આઘાત.
                   અમારું એવું છે ગુજરાત.

અલખ જગાવી ઊભો યુગોથી ઊંચો ગઢ ગિરનાર,
સિંહ સમો પડઘાય હજી રાનવઘણનો હુંકાર.
ચોગરદમથી ભગવો બોલે, જય જય ગોરખનાથ !
                   અમારું એવું છે ગુજરાત.   

મઝધારે તોફાન મચાવે ગુજરાતી મછવારો.
ગુજરાતી ગૌરવગાથાનો ક્યાંય ના આવે આરો.
દુનિયાના નક્શામાં જાણે પડી અનોખી ભાત.
                   અમારું એવું છે ગુજરાત.

                                            - ‘જિત ઠાડચકર

અમારું એવું છે ગુજરાત.

 
એવું છે ગુજરાત અમારું, એવું છે ગુજરાત.
દશે દિશામાં સદાય જેની થયાં કરે છે વાત.
                    અમારું એવું છે ગુજરાત.
સાહસના પર્યાય સમો છે ગુણવંતો ગુજરાતી;
હોય ભલે એ હિંદુ, મુસ્લિમ, શીખ, પારસી જાતિ.
અડગ બનીને ઊભું રહ્યું છે, ભલે મળ્યાં આઘાત.
                   અમારું એવું છે ગુજરાત.

અલખ જગાવી ઊભો યુગોથી ઊંચો ગઢ ગિરનાર,
સિંહ સમો પડઘાય હજી રાનવઘણનો હુંકાર.
ચોગરદમથી ભગવો બોલે, જય જય ગોરખનાથ !
                   અમારું એવું છે ગુજરાત.   

મઝધારે તોફાન મચાવે ગુજરાતી મછવારો.
ગુજરાતી ગૌરવગાથાનો ક્યાંય ના આવે આરો.
દુનિયાના નક્શામાં જાણે પડી અનોખી ભાત.
                   અમારું એવું છે ગુજરાત.

                              - ‘જિત ઠાડચકર